14 Feb 2017
(ડો.પાર્થ ગોલ - સ્પંદન ટ્રસ્ટના પ્રેસિડન્ટ,જામનગરની એમ.પી.શાહ મેડીકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. તથા જે.એન.મેડીકલ કોલેજમાંથી ગાયનેક વિષયમાં પોસ્ટગ્રેજ્યુએશન પુર્ણ કરી હાલમાં તેઓ ગાયનેકોલોજીસ્ટ તરીકે શિરોહી, રાજસ્થાનમાં પ્રાઇવેટ પ્રેક્ટિશ કરી રહ્યા છે. આજના 'વેલેન્ટાઇન ડે' નિમીતે માણીએ તેમના દ્વારા લખાયેલા 'બે' લાગણીથી છલોછલ લવલેટર. આ બંન્ને લવલેટર તેમના દ્વારા ૧૮ સપ્ટેમ્બર અને ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ તેમની ફેસબુક વોલમાં લખવામાં આવેલા. તેમના ઘણા મિત્રો દ્વારા આ લાગણીસભર લેટરને વખાણવામાં આવેલા. આ લવલેટર વાંચીને આપના પ્રતિભાવ, આપ નીચે કોમેન્ટમાં અથવા વોટ્સએપ પર +૯૧ ૯૬૬૨૦૬૦૫૨૨ અથવા ઇ - મેઇલ golparth@gmail.com પર મોકલી શકો છો.)
// મુસ્કરાને કી વજહ તુમ હો, ગુનગુનાને કી વજહ તુમ હો – એક પાગલ પ્રેમીનો ‘ફની’ લવલેટર //
એય સ્વીટુડી, યુ નો ? મારી જીંદગી હવે તારી બનાવેલી વ્યાખ્યા મુજબ સેટલ થઇ ગઇ છે, ખુબ જ સારો પગાર છે, બંગલો છે, મસ્ત મજાની મોટી કાર છે, હમણા તો ડ્રાઇવર પણ રાખ્યો છે. હવે હું સુધરી પણ ગયો છું, સવારે નિયમીત વહેલો ઉઠી જાવ છું. લેટ નાઇટ કોલ કરવા ય કોને ? તું તો છે જ નહી એટલે લાંબી વાતો કોની જોડે કરવી, ઘરે મમ્મી-પાપા જોડે રોજ વાત કરું ને, ગમે તેટલું લાંબુ ખેંચુ તોય પંદર મિનીટથી વધુ લાંબો કોલ ચાલતો જ નથી. આજેય પ્રશ્ન થાય કે છે તારી જોડે રોજની બે-ત્રણ-ચાર કલાક વાતો કઇ રીતે થઇ જાતી હતી, કમનિસીબી જો મારી, જ્યારે પપ્પા પાસે ડરતા-ડરતા મોબાઇલ રિચાર્જના પૈસા માગવા પડતા ત્યારે તું હતી અને આજે મારી કંપની મારું મોબાઇલ બિલ ભરે છે તો બિલ વધારવા વાળી તું જ નથી, કેવું ફની લાગે નહી ?
મારા કામવાળા બેન બહુ સારા છે, સવારે મસ્ત મજાનો નાસ્તો બનાવે છે, ક્યારેક ભાખરી, થેપલા, ચણા, મગ, ઇડલી, જે કહું એ બનાવી આપે. પણ હું હજુય બટેટા પૌઆ જ બનાવડાવું છું, પણ ખબર નહી એ મને પેલા જેવા ભાવતા જ નથી, એમાં ટેસ્ટ જ નથી આવતો, તને યાદ છે તું ક્યારેક સવારે મારા માટે બટેટા પૌઆ બનાવીને લાયબ્રેરીમાં આવતી ને હું વાંચતા-વાંચતા એ સફાચટ્ટ કરી દેતો, એના જેવી મજા આવતી જ નથી.
લે તને એક સરપ્રાઇઝ આપુ, મને હવે મલ્ટીપ્લેક્સમાં દર શુક્રવારે જઇને મુવી જોવાનું વ્યસન છુટી ગયું. ફ્રેન્ડસ અને કંપનીના સ્ટાફ મેમ્બર પ્લાન કરે તોય હું બહાના આપીને મુવી જોવા જતો જ નથી, બોસ બહુ આગ્રહ કરે તો જાવું પડે. મુવી જાવું પણ શું કામ હવે ? ત્યાં જઇને કોનો હાથ પકડું, કોના ખભા પર માથું ઢાળીને રોમેન્ટિક સીનની મજા લુંટુ ?
હમણાં વરસાદ આવ્યો, તો હું પાછો ઓફિસમાં જઇને બેસી ગયો. મારા કપડા ખરાબ થઇ જાય તો ? ભીંજાઇને હું માંદો પડી જાઉં તો ? આમપણ મને શરદી તરત જ થઇ જાય છે તને ખબર છે ને ! હવે વરસાદમાં મારી કાર પાર્કીંગ સુધી જવા માટે પણ મારે છત્રીની જરૂર પડે છે. આ સાંભળીને તને નવાઇ લાગી ને ? મનેય લાગે છે ! કોલેજમાં હતા ત્યારે, થોડો વરસાદ પડે તો પણ પલળતા-પલળતા બાઇક લઇને આપણે લોંગ ડ્રાઇવ પર નીકળી જાતા, એ વરસાદમાં પલળવાની જીદ કરનારો હું જ આજે વરસાદથી ભાગતો ફરું છું.
નિયમીત ટાઇમ કાઢીને વર્ષે એકાદવાર તો અચુક આપણી કોલેજમાં આંટો મારવા જાઊં છું, ત્યાં દરેક ખુણામાં ચક્કર મારું, ને તને શોધવાની કોશિશ કરું. કેવા મજાના દિવસો હતા નહી ? હમણા છેલ્લી વાર ગયો ત્યારે આપણી વાંચવાની જગ્યા પર આપણા જેવું જ એક રોમેન્ટિક કોલેજ કપલ બેઠું હતું. મારાથી રહેવાણું નહી એટલે એમની પાસે જઇને કહી આવ્યો કે, “તમે જે જીવી રહ્યા છો આ દિવસો, એ જ સાચા દિવસો છે, જેટલું જીવાય એટલું આમાં જ જીવી લેજો, પછી તો બાકીની જીંદગી તમારે આ દિવસો યાદ કરીને જ વિતાવવાની છે. પેલું કપલ પણ બિચારું ડરી ગયું એમને લાગ્યું કે, હું પાગલ છું. સ્વીટુડી, શું હું પાગલ છું ? તું કહે એ માની લઇશ. સાચું કે શું હું પાગલ છું ? યુ નો ને, મને બીજાની વાતો પર પેલેથી જ વિશ્વાસ નથી. હું ખાલી તારું જ માનું છું.
તે કહ્યું કે આપણે અલગ થવાનું છે, તો માની લીધું કે નહી ? હા થોડા દિવસો જીદ કરી, તને મનાવવા મથામણ કરી, તને ડરાવી-ધમકાવી, આજીજી-કાકલુદી પણ કરી, બધું જ કર્યું પણ તું ના માની તો છેલ્લે તો તારી વાત જ માની કહેવાય ને ? ને સ્વિકારી પણ લીધું કે કોલેજ પાસ કરીને હું નોકરી કે પોસ્ટ્ગ્રેજ્યુએશન કરવાને બદલે મારી નોવેલ લખવા બેઠો તો એ મારી ભુલ જ હતી, મારે એક લેખક બનવું હતું. હવે એ ગાંડપણ તું કદાચ ચલાવી લે પણ તારો પરિવાર થોડો માને ? તને ખબર છે પેલી મારી બાવીશ ચેપ્ટર વાળી કોલેજમાં લખેલી નોવેલ હજુય અધુરી છે. પ્રોમિસ છે એ પુરી નહી જ થાય. હવે તો મારે કરવી ય નથી.
પણ મને કોઇ ફરિયાદ નથી, હું આજે જે છું એ તારા લીધે જ તો છું, કંપનીમાં બોસ મારા કામના વખાણ કરે છે, મારો પગાર વધતો જ જાય છે, મારી કંપનીમાં દરેક કર્મચારી ને મારા જેવું સક્સેસફુલ બનવું છે, મારી પાસે ટિપ્સ લેવા આવે કે, સર તમે આવા નવા નવા આઇડીયા ને આવું હાર્ડ વર્ક કઇ રીતે કરો છો ? હું એમને જવાબમાં કહું કે એના માટે તમારે પ્રેમ કરવો પડે તો હસવા લાગે કે સર પ્લીઝ સિરીયસલી ટિપ્સ આપો ને, બોલ કોઇ મારી સાચી વાત માનતું જ નથી !
એ બધાને કોલેજમાંથી ઓન્લી ડિગ્રી મળી, એનાથી એમને નોકરી મળી. પણ મને કોલેજમાં તું મળી, અને તારાથી જીંદગીની કરુણ વાસ્ત્વિકતા શિખવા મળી, સફળતા તો બસ એમ ને એમ આવી ગઇ છે. એ સફળતા જતી રહેશે તો પણ કોઇ ફરક નહી પડે, પણ તારા જવાનો ફર્ક પડ્યો. ઘણો પડ્યો. ચાલ હવે મારી રડવાની ઇચ્છા નથી એટલે વધારે યાદ નથી કરવું. તને થોડી મજા આવે અને હસવું આવે એવી વાત કહું, પણ તું કોઇને કહેતી નહી, નહિતર લોકો મારા પર હસશે !
યું નો પેલો અરિજીત સિંગ ? એણે જ મને વધારે હેરાન કર્યો છે. આપણે કોલેજમાં હતા ત્યારે એ પણ મારી જેમ સ્ટ્રગલ કરતો હતો. પેલા સોની ટીવી પર આવતા, ‘ફેમ ગુરુકુલ’ રિયાલીટી શો માં એ ફાઇનલમાં હારી ગયો તો તને યાદ છે ને ? એ આજકાલ ઘણો ફેમસ-સક્સેસ થઇ ગયો છે, અત્યારે જો કેટલો હીટ છે, એના બધા સોંગ મને સાંભળવા ગમે છે. ક્યાંક ને ક્યાંક તો એના ગીત જ મને તારી યાદ અપાવી દે છે. આમ જોવા જઇએ તો એ જ મને તારા કરતા પણ વધારે હેરાન કરે છે. દર વર્ષે મારો બેટો એકાદું એવું સોંગ લઇ આવે કે મારે એ સાંભળીને હેરાન થાવું જ પડે છે ને તને યાદ કરવી જ પડે,
૨૦૧૨ માં પેલી ‘બરફી’ મુવીનું સોંગ લઇ આવ્યો
ફિર લે આયા દિલ મજબુર ક્યા કીજે, રાસ ના આયા રહેના દુર ક્યા કીજે…
વો જો અધુરી સી બાત બાકી હૈ, વો જો અધૂરી સી યાદ બાકી હૈ...
૨૦૧૩ માં ‘આશિકી’ મુવી નું સોંગ
હમ તેરે બિન અબ રહ નહી શકતે, તેરે બિના ક્યા વજુદ મેરા,
તુજસે જુદા અગર હો જાયેંગે તો, ખુદસે હી હો જાયેંગે જુદા,
ક્યોંકી તુમ હી હો, અબ તુમ હી હો, જીંદગી અબ તુમ હી હો
ચૈન ભી, મેરા દર્દ ભી, મેરી આશિકી અબ તુમ હી હો...
૨૦૧૪ માં સિટલાઇટ્સનું,
મુસ્કરા ને કી વજહ તુમ હો, ગુનગુના ને કી વજહ તુમ હો,
જીયા જાયે ના, જાયે ના, જાયે ના, ઓ રે પિયા રે,
ઓ રે લમ્હે તું કહી મત જા, હો સકે તો ઉમ્ર ભર થમ જા,
૨૦૧૫ માં ‘ખામોંશિયા’નું
ખામોંશિયાં આવાજ હૈ, તુમ સુનને તો આઓ કભી,
છુકર તુમ્હે.. ખિલ જાયેંગી, ઘર ઇનકો બુલાઓ કભી,
બેકરાર હૈ, બાત કરને કો, કહેનો દો ઇનકો ઝરા…
ખામોંશિયા... તેરી મેરી ખામોંશિયા...
આ વર્ષે પેલો કરણ જોહર દિવાળી એ નવું મુવી, ‘એ દિલ હૈ મુશ્કિલ’ લઇને આવે છે, એ મુવીનું ટાઇટલ સોંગ પણ અરિજીતે ગાયું છે.
તું સફર મેરા, હૈ તું હી મેરી મંજીલ
તેરે બિના ગુજારા, એ દિલ હૈ મુશ્કિલ
તું મેરા ખુદા, તું હી દુઆ મેં શામિલ
તેરે બિના ગુજારા, એ દિલ હૈ મુશ્કિલ...
પણ યુ નો, હું બદલાઇ ગયો છું એટલે સોંગ ભલે મને ગમ્યું ‘એ દિલ હૈ મુશ્કિલ’નું પણ જોવા જવાનું થાશે તોય હું તો અજય દેવગનનું ‘શિવાય’ જ જોવા જવાનો. આમ પણ શિવજી આપણા પહેલેથી જ ફેવરિટ છે. એ બહાને એમની પ્રાર્થના થઇ જાશે. !
મને ખબર હતી તું આ સાંભળીને હસવાની જ, શું કરું હું આવો જ હતો અને આવો જ રહ્યો છું, હા ક્યારેક લાગે કે બહારથી થોડો બદલાણો હોઇ શકું, પણ અંદરથી તો હજું પહેલા જેવો જ છું.
કાશ... મનેય તારી જેમ બદલાતા અને ભુલતા આવડતું હોત !
---------------------------------------------------------------------------------------------------------------
પ્રેમિકાનો જવાબ
// મેરી કિસ્મત, કે હર એક પન્ને પે, મેરે જીતે જી, બાદ મરને કે, મેરે હર ઇક કલ, હર એક લમ્હે મેં, તું લીખ દે, મેરા ઉસે – એક ‘સમજુ’ પ્રેમિકાનો એના પાગલ પ્રેમીને જવાબ //
એય ડિયર, વાહ તું કેવો સારો લેખક બની ગયો ? તારા લેટર ના એક એક વાક્યમાં લાગણીઓ છલકાતી હતી, મને આનંદ થયો, મેં તને એક સારો લેખક તો બનાવ્યો. (સોરી, જસ્ટ જોકિંગ...તું પેહેલેથી જ સારો લેખક હતો, આઇ નો) તારી સફળતા વિશે જાણીને ખુબ જ સારું લાગ્યું.
લે હું પણ તને એક સરપ્રાઇઝ આપું. મારી પાસે બંગલો નથી, મોટી કાર પણ નથી, પણ હા મારા પતિનો થોડો સારો પગાર છે અને એમાં મારો નાનો પગાર મેળવીને અમે મસ્ત જીવી રહ્યા છીએ. નવાઇ એ લાગી કે તારી પાસે જે છે એ મારી પાસે નથી છતાય હું તને મિસ નથી કરતી. મને યાદ જ નથી મેં તને છેલ્લે ક્યારે યાદ કર્યો. અમે વિકેન્ડ પાર્ટી, વર્ષે ફ્રેન્ડસ સાથે એકાદ-બે ટુર, એકાદ-બે ફેમિલી ટ્રીપ પણ કરી લઇએ છીએ એમાં મને તું ક્યાંય યાદ આવતો જ નથી. જલસાથી ધરાઇને હવે તો અમે ‘બેબી’ પ્લાનિંગ પણ વિચારીએ છીએ. મારી જીંદગીમાં શાંતી છે, સુખ છે, અને મારે જેવો જોઇતો હતો એવો આનંદ પણ છે.
મને તું ગમતો હતો, ખુબ જ ગમતો હતો. તારા રોમેન્ટિક નખરા, તારી દરેક સ્પેશિયલ ડેયઝ ને સેલિબ્રેટ કરવાની સ્પેશિયલ રીતો પાછળ તો હું રીતસર પાગલ હતી. પણ તારું પાગલપન, તારી જીદ, તારો ગુસ્સો એ બધાનો સામનો કરી-કરીને હું થાકી ગઇ હતી. મને તારી સાથે રહીને પણ સમજાતું નહોતું કે તું શું કરવાનો ! અત્યારે તું ભલે કહેતો કે તું તારી કંપનીમાં સેટલ છે, પણ મનમાં ને મનમાં તું તારી પોતાની કંપની ખોલવાનું પ્લાનિંગ જ કરતો હોઇશ. (હવે એ ન પુછતો કે મને કેમ ખબર પડી ગઇ ! એટલો તો ઓળખુ તને, ડિયર) તારી જીંદગીમાં બધુ છે પણ એમાં ‘સંતોષ’ છે જ નહી, આપણે હતા ત્યારે પણ નહોતો અને અત્યારે પણ નથી.
તે મોબાઇલને યાદ કર્યો કેમ કે તું એકલો છે, મારે તો મારો મોબાઇલ ઘરમાં ક્યાં પડ્યો છે એ શોધવા માટે પણ મારા હસબન્ડના મોબાઇલથી મિસ કોલ કરવો પડે છે. તારી જેમ જ મારા હસબન્ડને નવા-નવા મોબાઇલ લેવાનો શોખ છે, ગયા વર્ષે એમણે ‘આઇફોન-૬’ લીધો અને મને એમનો જુનો મોબાઇલ આપ્યો. હવે એ ‘આઇફોન-૭’ લેશે એટલે મારી પાસે ‘આઇફોન-૬’ આવશે.
તને વરસાદમાં હજુય લોંગ ડ્રાઇવ પર જવાનું યાદ આવે છે ? મને તો ઓફિસમાં બેઠી હોઇ ને વરસાદ પડે એટલે ઘરે અગાશી પર સુકવેલા કપડા ફરી ધોવાની મગજમારી યાદ આવી જાય છે. છતાય એ ચિંતા સાથે ઘરે આવું એટલે પહેલા મારા સસરા અને હસબન્ડ માટે ગરમા-ગરમ ‘ભજીયા’ બનાવીને એમને ખુશ કરી દઉં છું. તું નસીબદાર છે, બ્રેકફાસ્ટમાં બટેટાપૌઆ મળે તો છે. હું પણ મારા પરિવારના તમામ માટે બ્રેકફાસ્ટ બનાવું છું. પણ મારા માટે તો ગ્રીન-ટી, ડાયટ બિસ્કીટ કે ખાખરા જ હોય છે. વજન મારું વધી ગયું છે, એટલે ડાયેટિંગ ચાલુ કર્યું છે.
કોલેજ ને હવે યાદ શું કામ કરે છે ? ત્યાં તો મારી પાસે યાદ કરવા જેવું કશું છે જ નહી. માન્યું, એ દિવસો સારા હતા, મજા આવતી, પણ એ દિવસો યાદ કરીને જીંદગી થોડી કાઢવાની હોય ? જીંદગીમાં કોલેજ સિવાય પણ ઘણું છે, મને આશ્ચર્ય થાય છે કે તું હજું ત્યાં જ અટવાયેલો છે ? તારી તકલીફ ‘હું’ નથી પણ તું “પોતે” છે. કોલેજમાં હતા ત્યારે મારી પાસે આવીને તું ભવિષ્યની સતત ચિંતા કરતો, બાઇક પર લોંગ ડ્રાઇવ કરવા નીકળ્યા હોય ને સામે મોટી બ્રાન્ડેડ કાર આવતી કે તરત જ તું કહેતો કે, સ્વિટુડી આપણે આવી કાર લઇશું. સારી નોકરી તને મળશે કે નહી એની ચિંતા પણ ત્યારે તું કરતો. આજે એ બધું તારી પાસે આવ્યું તો હવે ‘હું’ તને યાદ આવવા લાગી ? છે ‘સંતોષ’ તને ? તું જ વિચાર તારું દુ:ખ ‘હું’ છું કે તું પોતે છું ? તું કોલેજમાં જઇને પેલા કપલને શું કહેતો હતો ? મારી સામેવાળા આંટીની દિકરી હમણાં પ્રેમમાં પડી હતી, મને ખબર પડી એટલે તરત જ જઇને એને મળીને સમજાવવા ગઇ હતી કે, “એવી કોઇ ભુલ ન કરતી જેના લીધે તારા પરિવારને નાનકડી એવી પણ તકલીફ થાય. આફ્ટર-ઓલ ફેમિલી ફર્સ્ટ – સ્પેશિયલી પપ્પા અને મમ્મી.” યુ નો આઇ એમ હેપ્પી કે એ મારી વાત માની ગઇ. (એણેય મારા જેવું કર્યું – અનેક ને હર્ટ કરવા કરતા એક ને હર્ટ કરવો શું ભુલ કહેવાય ?)
જે થયું એ ખોટુ હતું કે સાચું થયું એ વિચારવાને બદલે હવે સ્વિકારી લે કે આપણે સાથે રહેવા સર્જાયેલા નહોતા. મેં તરત સ્વિકારી લીધું કે નહી ? આપણા બ્રેક-અપ પછી, કદાચ છ મહિનામાં જ મારા મેરેજ થઇ ગયા હતા. અને આજે એ બ્રેક-અપને કેટલા વર્ષો થયા ? ચાર કે પાંચ ? મને તો એ પણ યાદ નથી. (તેં તો વર્ષો, મહિનાઓ, દિવસો અને કલાકો પણ ગણીને રાખ્યા હશે, આઇ નો) તું બાકીની બધી બાબતોમાં આટલો આગળ વધી ગયો છે, તો પછી આ એક જ વાતમાં આટલો પાછળ કેમ રહી ગયો ? મને ખબર છે, તું નહી સ્વિકારે કે એ તારી ભુલ છે. એમાં પણ તને મારો જ વાંક દેખાશે.
અને આ શું, તું ‘અરિજીત સિંગ’ને વચ્ચે કેમ લાવ્યો ? એના અમુક બકવાસ ગીતો ને આધાર બનાવીને તું એને તારી વેદના માટે જવાબદાર ગણે છે ? મને હસવું આવ્યું, રીયલી ખુબ જ હસી હું એ વાંચીને (સોરી, તે ના પાડી હતી હસવાની, આઇ નો, બટ આઇ કાન્ટ કંટ્રોલ) અહીં પણ આપણા વચ્ચે ઝગડો જ થાશે, આજ પછી જો મારા ‘ફેવરિટ અરિજીત’ને કંઇ પણ કહ્યું છે, તો મજા નહી આવે.
મારી નવી જીંદગીને સેટ કરવામાં, એ અરિજીત સિંગના સોંગ્સ જ મને કામમાં આવ્યા છે, તું થોડો લેઇટ પડ્યો, તે ૨૦૧૨ થી શરૂઆત કરી ને ? મેં તો ૨૦૧૧ થી જ ચાલું કરી દીધું હતું.
૨૦૧૧ માં મારા હસબન્ડ મને જોવા આવેલા, એમને મળીને મને થયું હતું કે મારું ‘પરફેક્ટ મેચ’ તેઓ જ છે. અને ૨૦૧૧ માં જ ‘મર્ડર-૨’ આવ્યું અને એનું સોંગ “એ દિલ સંભલ જા ઝરા, ફિર મહોબ્બ્ત કરને ચલા હૈ તું, દિલ યહીં રુક જા ઝરા ફિર મહોબ્બ્ત કરને ચલા હૈ તું.” હું બહુ જ સાંભળતી અને એ સાંભળતા-સાંભળતા જ હું એમની પાસે રોકાઇ ગઇ. (હા, હા, હા... ફની લાગે ને ?) અમારા મેરેજ થયા પછી તેઓ મારી ખુબ જ કાળજી રાખતા, ક્યારેક તું મને યાદ આવી જતો ને ક્યારેક એમનો મારા માટેનો પ્રેમ જોઇને મને થતું કે તને યાદ કરીને હું ભૂલ કરું છું.
૨૦૧૨ માં ‘૧૯૨૦ – એવિલ્સ રીટર્ન્સ’ નું સોંગ
મેરી કિસ્મત, કે હર એક પન્ને પે, મેરે જીતે જી, બાદ મરને કે,
મેરે હર ઇક કલ, હર એક લમ્હે મેં, તું લીખ દે, મેરા ઉસે,
હર કહાની મેં, સારે કિસ્સો મેં, દિલ કી દુનિયા કે સચ્ચે રિસ્તો મેં,
જિંદગાની કે સારે હિસ્સો મેં, તું લીખ દે મેરા ઉસે…ને એ સાંભળતા-સાંભળતા જ મારા હસબન્ડ સાચે જ મારી ‘દુનિયા’ બની ગયા.
નાના મોટા ઝઘડા થાય ને ક્યારેક જો ભુલથી પણ તને યાદ કરવાનો મને મોકો મળે એ પહેલા જ ૨૦૧૩ માં અરિજીત ‘બોસ’ મુવીનું સોંગ્સ લઇને આવી ગયો હતો.
તુમ મેં હમ હૈ, હમ મૈં તુમ હો, તુમસે હમ હૈ, હમસે તુમ હો
કિસ્મતો સે મિલતે હૈ દો દિલ યહાં...
હર કિસી કો નહી મિલતા, યહાં પ્યાર જીંદગી મેં,
એટલે યું નો અમારી કિસ્મત હતી એટલે જ અમે મળ્યા અને અમે ‘એક’ થયા.
૨૦૧૩ સુધી તો મારા હસબન્ડ તારાથી પણ વધારે રોમેન્ટિક થઇ ગયા હતા.
૨૦૧૩ માં ‘જેકપોટ’ મુવીનું સોંગ્સ તો એ પણ ક્યારેક મુડમાં આવી જાય તો મારા માટે ગાવા લાગતા. “કભી જો બાદલ બરસે, મેં દેખું તુજે આંખે ભરકે, તું લગે મુજે પહેલી બારિશ કી દુઆ…” અને અમારી જિંદગીમાં રોમાન્સ છલકાવા લાગ્યો હતો.
૨૦૧૪ માં ‘૨ સ્ટેટ’ મુવી ના સોંગ ‘મન મસ્ત મગન, મન મસ્ત મગન, બસ તેરા નામ દોહરાયે...” ની જેમ તેઓ મારા નામનું જ રટણ કરતા થઇ ગયા હતા અને હું એમના નામનું.
૨૦૧૫ માં તમાશા મુવીનું, “અગર તુમ સાથ હો, અગર તુમ સાથ હો...સોંગ જેટલી વાર સાંભળ્યું એમાં મને મારા હસબન્ડ જ યાદ આવ્યા છે. અને મારે એમનો જ સાથ જોઇએ છે...આખી જિંદગી.. માત્ર એમનો જ સાથ...
૨૦૧૬ માં તું એ ‘દિલ હૈ મુશ્કિલ’ નું સેડ સોંગ જોઇને દુ:ખી થતો રહે, પણ તને પેલું ગુજરાતી મુવી ‘છેલ્લો દિવસ’ યાદ છે ? એની હિન્દી રિમેક ‘ડેયઝ ઓફ તફ્રી’ આવે છે. એનું મસ્ત રોમેંન્ટિક સોંગ ‘યે હૈ પલકે ઝુકા કે તુમ પાસ આયે...મૈં હું, તું હો…આ પ્યાર બાંટ લે ઝરા, કલ યે પલ હો નહી...’ હું તો એ રોમેન્ટિક સોંગ સાંભળીને જ મારા હસબન્ડ જોડે ખુશ છું.
હા, મારા સોંગ્સ અરિજીતે ગાયેલા ફેમશ સોંગ્સ નહી હોય. પણ ‘ફેમશ’ મારે થાવું જ નથી. મને તો આવા સોંગ્સ મળી જાય છે સુખી થવા માટે. તારે જાતે જ દુ:ખી થવું હોય તો હું શું કરું ?
તારી તકલીફ ‘હું’ નથી કે નથી અરિજીત સિંગ, પણ તું “પોતે” છે. કાશ હવે તો તું સમજી શકે તો સારું...
કાશ તને મારી જેમ બદલાતા કે ભૂલતા આવડતું હોત.
હા...હું તને વફાદાર હતી, પણ હવે હું કાયમ મારા હસબન્ડને વફાદાર છું અને રહીશ...આ જ તારી અને મારી જીંદગીની વાસ્તવિકતા છે.
તું લેખક છો ને ? હું નથી પણ છતાય મારો લેટર તારા લેટર કરતા વધારે સારો છે. રિવ્યુ લઇ લે જે તારા ફેન્સના, તને જવાબ મળી જાશે, યુ નો આઇ એમ બેસ્ટ ! (હા… હા... હા... સોરી... જસ્ટ જોકીંગ)
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, App
Read More »Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. nulla pariatur.
Read More »SUCCESS :
Dr. Royal Rahul Dund7 years ago